- રાજકીય પક્ષોમાં ભાજપને સૌથી વધુ 71 ટકા રકમનું દાન મળ્યું
- દેશના 39 કોર્પોરેટ ગૃહ દ્વારા ઈલેક્ટોરલ ટ્રસ્ટને રૂ. 360 કરોડનું દાન કરવામાં આવ્યું
- BRSને રૂ. 90 કરોડનું દાન મળ્યું
ચૂંટણી ટ્રસ્ટો દ્વારા 2022-23માં રાજકીય પક્ષોને કરવામાં આવેલા દાનમાં ભાજપને સૌથી વધુ રૂ. 259 કરોડનું દાન મળ્યું હોવાનું એસોસીએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) દ્વારા જણાવાયું છે. તમામ રાજકીય પક્ષોને મળેલા દાનમાં ભાજપને સૌથી વધુ 71 ટકા રકમ મળી છે. ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ને 25 ટકા રકમ દાનમાં મળી હતી. ચૂંટણી ટ્રસ્ટો દ્વારા વર્ષ 2022-23ના દાનના રિપોર્ટમાં જણાવ્યા મુજબ 39 કોર્પોરેટ ગૃહ અને કંપનીઓએ ચૂંટણી ટ્રસ્ટોને રૂ. 363 કરોડથી વધારે રકમનું દાન કર્યું હતું. એડીઆરએ જણાવ્યા મુજબ વાયએસઆર કોંગ્રેસ, કોંગ્રેસ અને આપને સામૂહિક રીતે કુલ રૂ. 17.40 કરોડની રકમ મળી હતી. પ્રૂડન્ટ ઈલેક્ટોરલ ટ્રસ્ટ દ્વારા ભાજપને દાન પેટે રૂ. 256.25 કરોડની રકમ અપાઈ હતી. આ જ ટ્રસ્ટે 2021-22માં ભાજપને રૂ. 336.50 કરોડ દાન પેટે આપ્યા હતા. સમાજ ઈલેક્ટોરલ ટ્રસ્ટે 2022-23માં તેની કુલ આવકનાં 1.50 કરોડ રૂપિયા ભાજપને દાન આપ્યા હતા. તેણે કોંગ્રેસને રૂ. 50 લાખ દાનમાં આપ્યા હતા.
BRSને રૂ. 90 કરોડનું દાન મળ્યું
એડીઆરનાં રિપોર્ટ મુજબ 39 કોર્પોરેટ ગૃહ તેમજ કંપનીઓ દ્વારા પ્રૂડન્ટ ઈલેક્ટોરલ ટ્રસ્ટને રૂ. 360 કરોડથી વધુ રકમ દાનમાં મળી હતી. જેમાં એક કંપનીએ સમાજ ઈલેક્ટોરલ ટ્રસ્ટને રૂ. 2 કરોડનું યોગદાન આપ્યું હતું. બે કંપનીઓએ પરિવર્તન ઈલેક્ટોરલ ટ્રસ્ટને રૂ. 50 લાખનું યોગદાન આપ્યું હતું. તમામ રાજકીય પક્ષોને ચૂંટણી ટ્રસ્ટ પાસેથી મળેલા દાનમાં ભાજપને સૌથી વધુ 259.08 કરોડની રકમ મળી હતી જે કુલ રકમનાં 70.69 ટકા થવા જાય છે. બીઆરએસને રૂ. 90 કરોડ એટલે કે 24.56 ટકા રકમ દાનમાં મળી હતી.