ભાજપે નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં રૂ. ૪,૮૪૭.૭૮ કરોડની સંપત્તિ જાહેર કરી છે, જે બધા જ રાજકીય પક્ષોમાં સૌથી વધુ છે. ચૂંટણી સુધારાની તરફેણ કરનારા જૂથ એડીઆરે આ માહિતી આપી હતી. ભાજપ પછી માયાવતીના નેતૃત્વના બહુજન સમાજ પાર્ટી (બસપા) બીજા નંબરે છે, જેની જાહેર અસ્કયામતો માત્ર રૂ. ૬૯૮.૩૩ કરોડ છે. ત્રીજા નંબરે કોંગ્રેસ છે, જેની સંપત્તિ રૂ. ૫૮૮.૧૬ કરોડ છે.
ધ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)એ ૨૦૧૯-૨૦માં રાષ્ટ્રીય અને પ્રાદેશિક પક્ષોની સંપત્તિ અને જવાબદારીઓના તેના વિશ્લેષણના આધારે આ રિપોર્ટ તૈયાર કર્યો છે. એડીઆરના વિશ્લેષણ મુજબ નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન સાત રાષ્ટ્રીય અને ૪૪ પ્રાદેશિક પક્ષોની કુલ જાહેર સંપત્તિ અનુક્રમે રૂ. ૬,૯૮૮.૫૭ કરોડ અને રૂ. ૨,૧૨૯.૩૮ કરોડ હતી. રિપોર્ટમાં જણાવાયું છે કે સાત રાષ્ટ્રીય પક્ષોમાં સૌથી વધુ સંપત્તિ ભાજપ પાસે છે, જે રાષ્ટ્રીય પક્ષોની કુલ સંપત્તિમાં ૬૯.૩૭ ટકા જેટલો હિસ્સો ધરાવે છે. બીજા ક્રમે રહેલ બસપાનો હિસ્સો ૯.૯૯ ટકા અને કોંગ્રેસનો હિસ્સો ૮.૪૨ ટકા જેટલો છે.
એડીઆરના રિપોર્ટ મુજબ ૪૪ પ્રાદેશિક પક્ષોમાંથી ટોચના ૧૦ પક્ષોની સંપત્તિ રૂ. ૨૦૨૮.૭૧૫ કરોડ હતી, જે પ્રાદેશિક પક્ષોની કુલ સંપત્તિના ૯૫.૨૭ ટકા જેટલી હતી. નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં પ્રાદેશિક પક્ષોમાં સમાજવાદી પક્ષ દ્વારા સૌથી વધુ સંપત્તિ જાહેર કરવામાં આવી હતી, જે રૂ. ૫૬૩.૪૭ કરોડ હતી. ત્યાર પછી ટીઆરએસે રૂ. ૩૦૧.૪૭ કરોડ અને અન્નાદ્રમુકે રૂ. ૨૬૭.૬૧ કરોડની સંપત્તિ જાહેર કરી હતી. નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં પ્રાદેશિક પક્ષો દ્વારા જાહેર કરાયેલી કુલ સંપત્તિમાં ફિક્સ ડિપોઝીટ/એફડીઆરનો હિસ્સો સૌથી વધુ રૂ. ૧,૬૩૯.૫૧ કરોડ (૭૬.૯૯ ટકા) હતો.
નાણાકીય વર્ષ માટે એફડીઆર/ફિક્સ ડિપોઝીટ હેઠળ ભાજપ અને બસપાએ ક્રમશઃ રૂ. ૩,૨૫૩.૦૦ કરોડ અને રૂ. ૬૧૮.૮૬ કરોડની જાહેરાત કરી હતી, જે બધા જ રાષ્ટ્રીય પક્ષોમાં પહેલા અને બીજા ક્રમે છે. કોંગ્રેસે આ શ્રેણીમાં રૂ. ૨૪૦.૯૦ કરોડની એફડી/એફડીઆર જાહેર કરી હતી. પ્રાદેશિક પક્ષોમાં સપા (રૂ. ૪૩૪.૨૧૯ કરોડ), ટીઆરએસ (રૂ. ૨૫૬.૦૧ કરોડ), અન્નાદ્રમુક (રૂ.૨૪૬.૯૦ કરોડ), દ્રમુક (રૂ. ૧૬૨.૪૨૫ કરોડ), શિવસેના (રૂ. ૧૪૮.૪૬ કરોડ), બીજેડી (રૂ. ૧૧૮.૪૨૫ કરોડ) જેવા રાજકીય પક્ષોએ એફડીઆર/ફિક્સ ડિપોઝીટ હેઠળ સંપત્તિ જાહેર કરી છે.
નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટે સાત રાષ્ટ્રીય પક્ષો અને ૪૪ પ્રાદેશિક પક્ષોએ કુલ રૂ. ૧૩૪.૯૩ કરોડની જવાબદારીઓ જાહેર કરી છે. એડીઆરના રિપોર્ટ મુજબ રાષ્ટ્રીય પક્ષોએ રૂ. ૭૪.૨૭ કરોડ અને પ્રાદેશિક પક્ષોએ રૂ. ૬૦.૬૬ કરોડની જવાબદારીઓ જાહેર કરી છે.
- "प्रजा ही प्रभु है"
- "No Office in this land is more important than that of being a citizen - Felix Frankfurter"
ભાજપ રૂ. 4,850 કરોડની સંપત્તિ સાથે દેશનો સૌથી ધનવાન પક્ષ
Source:
Gujarat Samachar
Date:
28.01.2022
City:
New Delhi