Skip to main content
Source
Gujarat Samachar
Date
City
New Delhi

વિવિધ રાજકીય પક્ષોએ 2019-20માં 3,429.56 કરોડ રૂપિયાનાં ચૂંટણી બોન્ડ્સ રોકડ કર્યા છે, જેમાં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીને 87.29 ટકા રકમ મળી છે. ચૂંટણી અધિકારો સાથે જોડાયેલી સંસ્થા એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) ના રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નાણાંકીય વર્ષ 2019-20માં ભાજપે કુલ આવક 3623.28 કરોડ રૂપિયા જાહેર કરી હતી પરંતુ પાર્ટીએ માત્ર 45.57 ટકા એટલે કે 1651.02 કરોડ રૂપિયા જ ખર્ચ કર્યા હતા.

તેમાં કહેવામાં આવ્યું છે કે આ નાણાકીય વર્ષમાં કોંગ્રેસ પાર્ટીની કુલ આવક 682.21 કરોડ રૂપિયા હતી અને તેણે 998.15 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. આ રીતે, કોંગ્રેસ પાર્ટીએ આવક કરતાં 46.31 ટકા વધુ ખર્ચ કર્યો. તૃણમૂલ કોંગ્રેસે નાણાકીય વર્ષ 2019-20માં 143.67 કરોડ રૂપિયા મેળવ્યા અને 107.27 કરોડ રૂપિયા ખર્ચ્યા, જે કુલ આવકના 74.67 ટકા છે.

ADR નાં નવા રિપોર્ટ મુજબ, ADR દ્વારા દાખલ કરવામાં આવેલી RTI અરજીનાં જવાબમાં જણાવવામાં આવ્યું છે કે SBI નાં આંકડાં અનુસાર, વિવિધ રાજકીય પક્ષોએ 2019-20માં 3,429.56 કરોડ રૂપિયાનાં ચૂંટણી બોન્ડ્સ રોકડ કર્યા છે, જેમાં ચાર રાષ્ટ્રીય પક્ષો- ભારતીય જનતા પાર્ટી (BJP) , કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ને 87.29 ટકા રકમ મળી છે.

એડીઆર મુજબ, નાણાકીય વર્ષ 2019-20 માં, રાષ્ટ્રીય અને પ્રાદેશિક પક્ષોએ 3441.32 કરોડ રૂપિયાના ચૂંટણી બોન્ડ જાહેર કર્યા. રાજકીય પક્ષો દ્વારા જાહેર કરાયેલા ચૂંટણી બોન્ડ્સ અને રિડીમ કરેલા બોન્ડ્સ વચ્ચેનો તફાવત આ પક્ષો જે રીતે ઓડિટ રિપોર્ટ આપે છે તેની રિતી-નિતીનાં કારણે હોઈ શકે છે. એડીઆરએ પોતાની રિપોર્ટમાં કહ્યું છે કે 7 રાજકીય પાર્ટીઓ BJP, કોંગ્રેસ, TMC, BSP, CPI, CPI (M) એ સમગ્ર ભારતમાંથી 4758.20 કરોડની આવક મેળવી હતી.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નાણાંકીય વર્ષ 2019-20 માં ચાર રાજકીય પક્ષો BJP, કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ અને NCPને તેમની કુલ આવકમાં ચૂંટણી બોન્ડ દ્વારા દાન સ્વરૂપે 62.92 ટકા રકમ એટલે કે 2993.82 કરોડ રૂપિયા મળ્યા છે. ચૂંટણી બોન્ડ દ્વારા ભાજપને 2555 કરોડ રૂપિયા દાન તરીકે મળ્યા, કોંગ્રેસને 317.86 કરોડ રૂપિયા, તૃણમૂલ કોંગ્રેસને 100.46 કરોડ રૂપિયા અને NCPને 20.50 કરોડ રૂપિયા મળ્યા.