લોકશાહીમાં સરકાર પોતાની કામગીરી માટે લોકો પ્રત્યે જવાબદાર હોય છે. આ જવાબદારી માટે પક્ષ અને વિપક્ષના સભ્યો કામગીરી માટે, નીતિ વિષયક નિર્ણય માટે સરકારને સવાલ પૂછતી હોય છે જેનો જવાબ આપવા સરકાર જવાબદાર હોય છે.
એસોસિયેશન ઓફ ડેમોક્રટિક રાઇટ્સના એક અહેવાલ અનુસાર ગુજરાત સરકારે જેનો મૌખિક જવાબ આપવાનો હોય છે તેવા તરાંકિત પ્રશ્નોના મામલે મૌન રહી છે એમ જ કહી શકાય. વર્ષ 2017થી 2022ના પાંચ વર્ષના વિવિધ સત્રોમાં રાજ્યના પ્રજાના પ્રતિનિધિઓએ સરકાર અને મંત્રી સમક્ષ આવા 38,121 પ્રશ્નો પૂછ્યા હતા તેમાંથી માત્ર બે ટકા કે 600 પ્રશ્નમાં જ જવાબ આપવામાં આવ્યો હતો!
સરકારે આવા પ્રશ્નોમાં 27,979નો જવાબ આપવાનું સ્વીકાર્યું હોવા છતાં જવાબ રજૂ થયો હોય એવી ઘટના ઓછી બની હતી.
બીજી તરફ, ધારાસભ્યો લેખિતમાં જવાબ આપે, ગૃહમાં મંત્રી આ જવાબ રજૂ કરે એવા અતરાંકીત સવાલોના જવાબમાં પણ કામગીરી નબળી રહી છે. પાંચ વર્ષમાં કુલ 10,224 સવાલ પૂછ્યા હતા તેમાંથી ત્રીજા ભાગના એટલે કે 4,800ના જવાબ જ રાજ્ય સરકારે આપ્યા છે. આવા સવાલોના જવાબ આપવા નહિ બંધાયેલા એટલે કે અસ્વીકાર થયો હોય તેની સંખ્યા 2,351 હતી.