ADR દ્વારા ગુજરાત વિધાનસભાના વર્તમાન ધારાસભ્યોની કામગીરીનું વિશ્લેષણ કરાયું. ધારાસભ્યોની સક્રિયતા તેમજ કામકાજ અંગે વિશ્લેષણ કરવામાં આવ્યું છે. જેમાં રસપ્રદ તારણો સામે આવ્યા છે. વર્ષ 2018 થી 2022 સુધી ધારાસભ્યો દ્વારા કરાયેલી કામગીરીનું વિશ્લેષણ કરાયું. જેમાં 14 વિધાનસભામાં 10 સત્રો દરમિયાન 141 દિવસ વિધાનસભાનું કામ ચાલ્યું.
કયા પ્રશ્નોની ચર્ચા થઈ
છેલ્લા સત્રને બાદ કરતાં 9 સત્ર દરમિયાન 38,121 તારાંકિત અને 10,224 અતારાંકિત પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. સાથે જ છેલ્લા 5 વર્ષમાં સૌથી ઓછા પ્રશ્નો સંસદીય તેમજ કલાઇમેટ ચેન્જ વિભાગના પૂછવામાં આવ્યા. તો સૌથી વધુ પ્રશ્નો અંગે ચર્ચા ખેતી, સહકાર, ખાણ અને ખનીજ, ગૃહ, પંચાયત અને મહેસૂલ વિભાગ અંગે થઈ. 38,121 તારાંકિત પ્રશ્નોમાંથી 8905 પ્રશ્નો સ્વીકારવામાં નાં આવ્યા, જ્યારે 1162 પ્રશ્નો પાછા ખેંચવામાં આવ્યા, તો 623 પ્રશ્નો સ્વીકાર્યા બાદ રદ્દ કરી દેવાયા. અતારાંકિત 10,224 પ્રશ્નોમાંથી 2351 પ્રશ્નો સ્વીકારવામાં નાં આવ્યા, જ્યારે 5 પ્રશ્નો પાછા ખેંચવામાં આવ્યા, 79 પ્રશ્ન સ્વીકાર્યા બાદ રદ્દ કરાયા.
ફંડ વિશે માહિતી
5 વર્ષ દરમિયાન MLA લોકલ એરિયા ડેવલોપમેન્ટ ફંડમાંથી 1004.15 કરોડ રૂપિયા મંજૂર કરાયા, જેમાંથી 677.5 કરોડ રૂપિયા ખર્ચ થયા. કુલ મંજૂર થયેલા 53,029 કામોમાંથી 40,428 એટલે કે 76 ટકા કામો પૂર્ણ થયા. 5 વર્ષના અંતે 600 કરોડ રૂપિયાનું MLA ને મળતું વણવપરાયેલું રહ્યું. આદિવાસી વિસ્તારમાં કુલ 252 કરોડ રૂપિયાનું MLA LAD ફંડ હતું, જેમાંથી 230.37 કરોડ રૂપિયાના કામો મંજૂર કરાયા હતા અને 177 કરોડ રૂપિયાના કામો થયા, જ્યારે 75 કરોડ રૂપિયાનું બજેટ વણવપરાયેલું રહ્યું.
કયા નેતા બોલ્યા, ને કેટલા ચૂપ રહ્યા
ADR રિપોર્ટમાં ધારાસભ્યોની સક્રિયતા અને ચર્ચામાં ભાગ લેવા અંગે પણ વિશ્લેષણ કરાયું. 95 ટકાથી ઓછા ધારાસભ્યોએ 50 થી ઓછી વખત માટે ચર્ચામાં ભાગ લીધો હતો. 36 ટકા જેટલા ધારાસભ્યોની ભાગીદારી 10 થી ઓછી વખત ચર્ચામાં સહભાગી થયા હતા. વિધાનસભામાં ભાજપ તરફથી બોલનાર ધારાસભ્યમાં નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજાનો સમાવેશ થાય છે. કોંગ્રેસ તરફથી પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત તેમજ શૈલેષ પરમાર સૌથી વધુ વખત વિધાનસભામાં બોલતા નજરે પડ્યાં હતા. વિધાનસભામાં સૌથી વધુ નીરસ રહેનાર 11 ભાજપના અને 5 કોંગ્રેસના ધારાસભ્યો સાબિત થયા, જેમની ચર્ચાઓમાં ભાગીદારી માત્ર 1 થી 4 જેટલા મુદ્દાઓમાં રહી. ભાજપના MLA વિરેન્દ્રસિંહ જાડેજા, પુરુષોત્તમ સોલંકીએ માત્ર એક જ વખત ચર્ચામાં ભાગીદારી નોંધાવી હતી. વિધાનસભામાં સૌથી વધુ હાજરી ભાજપના રમણ પટેલ, સુરેશ પટેલ, કુબેર ડિંડોર, પિયુષ દેસાઈ, મહેશ રાવલનો સમાવેશ થાયછે. તો કોંગ્રેસમાંથી ડોક્ટર અનિલ જોશિયારા, કિરીટ પટેલ, વીરજી ઠુમ્મર, ઋત્વિક મકવાણા, ઇમરાન ખેડાવાલા, હિંમતસિંહ પટેલનો સમાવેશ થાય છે.
ફંડમાં પારદર્શિતા નહિ
ADR દ્વારા MLA ફંડના અમલીકરણમાં પારદર્શિતા નાં જળવાતી હોવાનો દાવો કરાયો છે. ADR એ રિપોર્ટમા જણાવ્યુ કે, MLA LAD (લોકલ એરિયા ડેવલોપમેન્ટ) ફંડ અંગે કોઈ અલગથી વેબસાઈટ નથી. www.mplads.gov.in વેબસાઈટ પર કેટલીક વિગતો જોવા મળે છે, જેમાં કામ અને વર્ષ પ્રમાણે વિગતો મળતી નથી. કામોનું આયોજન, બજેટ અને અમલીકરણ અંગે કોઈ વિગતો પ્રદર્શિત કરાયેલ નથી. 6 હજાર જેટલા કામ શરૂ નાં થયા, જેની કોઈ વિગતો નથી. 53,029 કામોમાંથી લગભગ 40,601 કામોના ફોટો અપલોડ નથી કરાયા.
5 વર્ષ દરમિયાન 66 MLA જુદી જુદી ચર્ચાઓમાં 10 ટકા કરતાં પણ ઓછી વખત હિસ્સેદારી નોંધાવી હતી. 106 ધારાસભ્યોએ 11 થી 50 વખત જુદી જુદી ચર્ચાઓમાં હિસ્સેદારી કરી હતી. 51 થી 100 વખત ચર્ચાઓમાં ભાગ લીધો હોય એવા માત્ર 4 જ ધારાસભ્ય છે. 100 વખતથી વધુ ચર્ચાઓમાં ભાગ લીધો હોય એવા માત્ર 6 જ ધારાસભ્યોનો સમાવેશ થાય છે. 95 ટકાથી પણ ઓછા MLA એ 50થી ઓછી વખત માટે ચર્ચામાં ભાગ લીધો.
વેબ પોર્ટલ હોવું જોઈએ
એક એક MLA ની કામગીરીનો કોઈ ડેટા આપવામાં નથી આવ્યો. તમામ મળીએ અંગે માહિતી મળે એ માટે માહિતી કમિશનમાં ફરિયાદ કરી છે. ક્યાં પ્રશ્નો પુછાયા એના શું જવાબ મળ્યો એ અગાઉ લેખિતમાં મળતા હતા, હવે એવી વિગત નથી મળી રહી. 700 કરોડ રૂપિયાનું ભંડોળ હોવા છતાં એ રકમનો ઉપયોગ થઈ નાં શક્યો. પૂર્ણ થયેલી કામગીરીનો ફોટો મૂકવાનો હોય છે, જેના ફોટો અપલોડ થયા નથી. જુદા જુદા સેક્ટર મુજબ થયેલા કામ અંગે અમે માહિતી માગી છે, એ ડેટા આપવાથી નકારવામાં આવ્યું, જો કે માહિતી મેળવવાની અમારી લડત ચાલતી રહેશે. આ માટે વેબ પોર્ટલ હોવું જોઈએ જેનાથી સૌને માહિતી મળી શકે.
એ પણ રિપોર્ટ મળ્યો કે, તારાંકિત 38,121 સવાલોમાંથી 600 સવાલોના જવાબ વિધાનસભામાં આપવામાં આવ્યા હતા. અતારાંકિત 10,224 સવાલોમાંથી 4,800 સવાલોનો જવાબ આપવામાં આવ્યો હતો. જે પ્રશ્નો પાછા ખેંચવામાં આવ્યા કે રદ્દ કરાયા, એ કોણે પાછા ખેંચ્યા, કેમ ખેંચ્યા અથવા કેમ રદ્દ કરવામાં આવ્યા એ અંગે અમે માહિતી માગી પણ કોઈ વિગત આપવામાં નથી આવી. અન્ય રાજ્યોની વિધાનસભા અંગે સવાલ અને તેના જવાબ લેખિતમાં મળે છે પણ એ આપણી વિધાનસભા અંગે નથી મળ્યું.