Skip to main content
Source
Gujarat Samachar
Date
City
New Delhi

દેશના ૧૬ પ્રાદેશિક પક્ષોએ પાનની વિગતો વિના ૧૦૨૬ દાતાઓ પાસેથી કુલ રૂ. ૨૪.૭૭૯ કરોડના મૂલ્યનું દાન મળ્યું હોવાની જાહેરાત કરી છે તેમ પોલ રાઈટ્સ ગ્રુપ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)એ જણાવ્યું હતું. એડીઆર દ્વારા તૈયાર કરાયેલા અહેવાલમાં નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન પ્રાદેશિક રાજકીય પક્ષો દ્વારા જાહેર કરવામાં આવેલી દાન પર ફોકસ કરવામાં આવ્યું છે. આ અહેવાલ રાજકીય પક્ષોએ ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરેલા દસ્તાવેજોના આધારે તૈયાર કરાયો છે.
એડીઆરના અહેવાલ મુજબ ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ), લોકજનશક્તિ પાર્ટી (એલજેપી), સમાજવાદી પાર્ટી અને આમ આદમી પાર્ટીની મહત્તમ આવક  નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ તથા ૨૦૧૯-૨૦ વચ્ચે દાનમાંથી થઈ હતી. નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં સૌથી વધુ દાન મેળવનારા ટોચના પાંચ પ્રાદેશિક પક્ષોમાં શિવસેના, અન્નાદ્રમુક, આપ, બિજુ જનતા દળ અને વાયએસઆર-કોંગ્રેસનો સમાવેશ થાય છે. આ પક્ષોમાંથી શિવસેના, બીજુ જનતા દળ અને વાયએસઆર કોંગ્રેસ પક્ષે તેમના દાનમાં ઘટાડો થયો હોવાની જાહેરાત કરી છે જ્યારે અન્નાદ્રમુક અને આપે ૨૦૧૮-૧૯ની સરખામણીમાં આ વર્ષે દાનમાં વધારો થયો હોવાનું જણાવ્યું હતું.
ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ દ્વારા સૌથી વધુ દાન રોકડમાં મળ્યું હોવાનું જાહેર કરાયું હતું. તેણે રોકડ સ્વરૂપે રૂ. ૪.૬૩ કરોડ એકત્ર કર્યા હતા. ત્યાર પછી તામિલનાડુના પત્તાલિ મક્કલ કાત્ચીએ રૂ. ૫૨.૨૦ લાખનું રોકડ દાન મળ્યું હોવાનું જણાવ્યું છે. એલજેપીએ રૂ. ૬ લાખ અને નાગાલેન્ડ તથા મણિપુરના નાગા પીપલ્સ ફ્રન્ટે રૂ. ૩.૯૨ લાખ અને દ્રમુકે રૂ. ૨૯,૦૦૦નું રોકડ દાન મેળવ્યું છે. આ અહેવાલ મુજબ ૧૬ પ્રાદેશિક પક્ષોએ પાનની વિગતો વિના રૂ. ૨૪.૭૭૯ કરોડના મૂલ્યનું દાન મેળળ્યું હોવાની જાહેરાત કરી છે.
દેશમાં ૫૩ પ્રાદેશિક રાજકીય પક્ષોના વિશ્લેષણમાંથી માત્ર બે પક્ષોએ નિશ્ચિત સમયમાં ચૂંટણી પંચ સમક્ષ તેમના દાનની વિગતો રજૂ કરી હતી. અન્ય ૨૮ પક્ષોએ તેમની વિગતો છથી ૩૨૦ દિવસના વિલંબ પછી રજૂ કર્યો હતો. ૨૩ પ્રાદેશિક રાજકીય પક્ષોએ નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાનના તેના દાનની વિગતો હજુ સુધી  ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરી નથી.
દાનની કુલ રકમના સંદર્ભમાં શિવસેનાને ૪૩૬ દાતાઓ તરફથી રૂ. ૬૨.૮૫૯ કરોડનું દાન મળ્યું છે. ત્યાર પછી અન્નાદ્રમુકને ત્રણ દાતાઓ તરફથી રૂ. ૫૨.૧૭ કરોડનું દાન મળ્યું છે. આપની જાહેરાત મુજબ તેને રૂ. ૩૭.૩૭ કરોડનું દાન મળ્યું છે. બીજેડી અને વાયએસઆર-કોંગ્રેસે અનુક્રમે રૂ. ૨૮.૨૦ કરોડ અને રૂ. ૮.૯૨૪ કરોડનું દાન મળ્યું હોવાની જાહેરાત કરી છે.