Skip to main content
Source
ABP Gujarati
Author
gujarati.abplive.com
Date

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) એ લોકસભા ચૂંટણી 2024ના સંદર્ભમાં દાવો કર્યો છે કે 538 સંસદીય મતવિસ્તારોમાં EVMમાં નાખવામાં આવેલા અને ગણતરી કરાયેલા કુલ મતોની સંખ્યામાં તફાવત છે

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) એ લોકસભા ચૂંટણી 2024ના સંદર્ભમાં દાવો કર્યો છે કે 538 સંસદીય મતવિસ્તારોમાં EVMમાં નાખવામાં આવેલા અને ગણતરી કરાયેલા કુલ મતોની સંખ્યામાં તફાવત છે. ADRના વિશ્લેષણ મુજબ, તાજેતરની લોકસભા ચૂંટણીમાં 362 સંસદીય મતવિસ્તારોમાં થયેલા કુલ મતો કરતાં 5,54,598 મત ઓછા ગણવામાં આવ્યા હતા. જ્યારે 176 સંસદીય મતવિસ્તાર છે જ્યાં કુલ પડેલા મતો કરતાં 35,093 વધુ મતોની ગણતરી કરવામાં આવી છે. આ મામલે ચૂંટણી પંચ તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

15,521  મતોનો જોવા મળ્યો તફાવત

 રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં લોકસભાની 26 બેઠકમાંથી 24 બેઠકમાં કુલ 15,521 મતનો ફેરફાર જોવા મળ્યો છે. જેમાં કેટલી બેઠકો પર જાહેર કરેલા મતો કરતા વધુ છે અથવા તો ઓછા છે. લોકસભાની ચૂંટણી 2024માં ચૂંટણી પંચે જે આંકડા જાહેર કર્યાં હતાં અને મતગણતરીના દિવસે મતોની ગણતરી થઈ તેમાં ઘણાં મતોનો તફાવત જોવા મળ્યો છે. એડીઆરના રિપોર્ટ અનુસાર, ગુજરાતની 26 બેઠકમાંથી 24 બેઠકોમાં 8 મતોથી માંડીને 3100 મતોનો તફાવત જોવા મળ્યો છે. ગુજરાતમાં 24 બેઠકો પર કુલ મળીને 15,521 મતનો તફાવત જોવા મળ્યો છે. ભાવનગરમાં 2096, ખેડામાં 2222, પાટણમાં 1577, બારડોલીમાં 3193 અને આણંદમાં 1337 મતનો તફાવત જોવા મળ્યો હતો.

એક પત્રકાર પરિષદને સંબોધતા એડીઆરના સ્થાપક જગદીપ ચોકરે જણાવ્યું હતું કે, 'અંતિમ મતદાન ડેટા જાહેર કરવામાં અસાધારણ વિલંબ, વિવિધ મતવિસ્તારો અને મતદાન મથકો પર થયેલા મતદાનના આંકડાઓ ઉપલબ્ધ ના હોવા અને શું ચૂંટણી પરિણામ અતિમ આંકડાઓના ડેટાના આધાર પર જાહેર કરાયું હતું. તેની અસ્પષ્ટતા ચૂંટણી પરિણામોની પ્રામાણિકતા અંગે ચિંતા અને શંકા ઊભી કરે છે. જો કે, ADR એ જણાવ્યું નથી કે મતોમાં આ તફાવતને કારણે કેટલી બેઠકો પર અલગ પરિણામો આવ્યા છે.

એડીઆરના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચૂંટણી પંચ અત્યાર સુધી મત ગણતરી પર અંતિમ અને અધિકૃત ડેટા જાહેર કરતા પહેલા ચૂંટણી પરિણામો શા માટે જાહેર કરે છે તે અંગે કોઈ યોગ્ય સમજૂતી આપવામાં નિષ્ફળ ગયું છે. ઈવીએમમાં ​​પડેલા મતો, તેમની ગણતરીમાં વિસંગતતાઓ, ચૂંટણી પૂર્ણ થયાના થોડા દિવસો પછી અંતિમ મતદાનની ટકાવારીમાં વધારો, બુથ મુજબના મતદાનની સંખ્યા જાહેર ન કરવી, પડેલા મતોના ડેટા જાહેર કરવામાં અયોગ્ય વિલંબ અને પોતાની વેબસાઇટ પરથી કેટલાક ડેટાને ડિલીટ કરવા અંગે પણ ચૂંટણી પંચ તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

538 બેઠકો પર પડેલા અને ગણતરી કરાયેલાના મતોમાં તફાવત જોવા મળ્યો

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સના અહેવાલમાં જણાવાયું છે કે સામાન્ય ચૂંટણી 2024 ના પરિણામોની જાહેરાત કરતી વખતે અમરેલી, અટીંગલ, લક્ષદ્વીપ અને દાદરા નગર હવેલી અને દમણ દીવ સિવાયના 538 સંસદીય મતવિસ્તારોમાં ઇવીએમાં નાખવામાં આવેલા મત અને ગણતરી કરાયેલા મતોમાં નોંધપાત્ર વિસંગતતાઓ જોવા મળી હતી. સુરત સંસદીય બેઠક પર કોઈ હરીફાઈ નહોતી, કારણ કે અહીંથી ભાજપના ઉમેદવાર બિનહરીફ જીત્યા હતા. આ રીતે 538 સંસદીય બેઠકો પર ઇવીએમમાં નાખવામાં આવેલા અને ગણતરી કરાયેલા મતોમાં 589691નો તફાવત છે.