Skip to main content
Source
Gujarati Jagran
https://www.gujaratijagran.com/national/karnatakas-dk-shivakumar-is-the-countrys-richest-mla-with-a-net-worth-of-rs-1413-crore-12-of-the-top-20-mlas-are-from-karnataka-165911
Author
Nilesh Zinzuwadia
Date

India's Richest MLA: એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) તથા નેશનલ ઈલેક્શન વૉચ (NEW)ના તાજેતરના એક અહેવાલ પ્રમાણે કર્ણાટક પ્રદેશ કૉંગ્રેસ કમિટી (KPCC)ના અધ્યક્ષ અને રા્જયના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર દેશના સૌથી શ્રીમંત ધારાસભ્ય છે.

ડીકે શિવકુમાર પાસે કુલ રૂપિયા 1,413 કરોડની સંપત્તિ હોવાનો અંદાજ છે. દેશના સૌથી સમૃદ્ધ 20 ધારાસભ્યોની યાદીમાં 12 ધારાસભ્ય સાથે કર્ણાટકના ધારાસભ્ય દેશના સૌથી શ્રીમંત ધારાસભ્યોની યાદીમાં મોખરાના સ્થાને છે. ADRના અહેવાલ પ્રમાણે કર્ણાટકના 14 ધારાસભ્ય અબજપતિ (100 કરોડ રૂપિયા) છે, જે દેશમાં સૌથી વધારે છે અને ધારાસભ્યોની સરેરાશ સંપત્તિ રૂપિયા 64.3 કરોડ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે દેશના સૌથી શ્રીમંત ધારાસભ્યોની યાદીમાં પ્રથમ ત્રણ ધારાસભ્ય કર્ણાટકમાંથી છે. બીજા ક્રમે અપક્ષ ધારાસભ્ય કેએચ પુત્તાસ્વામી છે. તેમની સંપત્તિ રૂપિયા 1,267 કરોડ છે.ત્રીજા ક્રમે કોંગ્રેસના સૌથી યુવા ધારાસભ્ય પ્રિયકૃષ્ણ છે, જેમની સંપત્તિ 1,156 કરોડ છે. આ અહેવાલ તૈયાર કરવામાં 28 વિધાનસભા તથા બે કેન્દ્ર શાસિત પ્રદેશના 4,001 ધારાસભ્યોની માહિતીને ધ્યાનમાં લેવામાં આવી છે.

તો સૌથી ગરીબ ધારાસભ્ય કોણ

સૌથી સમૃદ્ધ ધારાસભ્યોની તો વાત થઈ પણ સૌથી ગરીબ ધારાસભ્યની વાત કરીએ તો ભારતમાં સૌથી ગરીબ ધારાસભ્ય પશ્ચિમ બંગાળના સિંધુ વિધાનસભા ક્ષેત્રમાંથી નિર્મલ કુમાર ધાર છે, જેમની સંપત્તિ રૂપિયા 1,700 છે આ ઉપરાંત કર્ણાટકની વિધાનસભામાં ભાગીરથી મુરુલિયા પણ છે,જેમની સંપત્તિ રૂપિયા 28 લાખ છે.