ADR report News: દેશના 30માંથી 12 મુખ્યમંત્રી એટલે કે 40 ટકા મુખ્યમંત્રીએ પોતાના પર ગુનાહિત કેસ નોંધાયો હોવાની જાણકારી આપી છે. આ માહિતી એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ(એડીઆર)ના રિપોર્ટમાં સામે આવી છે. જેમાં તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી વિરુદ્ધ સૌથી વધુ ફોજદારી 89 કેસ છે. જયારે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ 931 કરોડની સંપત્તિ સાથે ભારતના સૌથી અમીર મુખ્યમંત્રી છે.
તેલગાંણા સીએમ રેવંત રેડ્ડી પર સૌથી વધુ ફોજદારી 89 કેસ
જયારે ફોજદારી કેસ ધરાવતા મુખ્યમંત્રીની વાત કરીએ તો, તેલગાંણા સીએમ રેવંત રેડ્ડી પર 89, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ પર 19, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પર 13 કેસ અને ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને પાંચ કેસ છે. મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ પર ચાર-ચાર કેસ, કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન પર બે કેસ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પર એક ફોજદારી કેસ હોવાની તેમણે એફિડેવિટમાં જાહેર કર્યું છે.
ગંભીર ગુનાહિત કેસમાં 10 મુખ્યમંત્રી સામેલ
આ ખુલાસો એવા સમયે પ્રકાશમાં આવ્યો છે. જ્યારે કેન્દ્ર સરકાર ત્રણ વિધેયક લાવી છે. જેમાં ફોજદારી કેસના આરોપમાં 30 દિવસ માટે ધરપકડ કરાયેલા પીએમ, સીએમ અને મુખ્યમંત્રીઓને હટાવવાની જોગવાઈ છે. તેમજ આ અહેવાલ અનુસાર 10 એટલે કે 40 ટકા મુખ્યમંત્રીઓ પોતાની વિરુદ્ધ ચાલી રહેલા ગંભીર ફોજદારી કેસોને એફિડેવિટ કબુલ્યા છે. જેમાં હત્યાનો પ્રયાસ, અપહરણ, ભ્રષ્ટાચાર અને ધમકીના જેવા ગુનાઓ છે. આ માહિતી એડીઆરએ ગત ચૂંટણીમાં મુખ્યમંત્રીઓ ઈલેકશન કમિશનમાં જમા કરાવેલી એફિડેવિટમાંથી લેવામાં આવ્યા છે. ગંભીર ગુનાહિત કેસમાં 10 મુખ્યમંત્રી સામેલ છે.
ચંદ્રબાબુ નાયડુ સૌથી ધનિક મુખ્યમંત્રી
એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) અને નેશનલ ઈલેક્શન વોચના રિપોર્ટ પ્રમાણે 30માંથી બે મુખ્યમંત્રી અબજોપતિ છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ પહેલા નંબર પર છે. તેમની પાસે 931 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે. અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડૂ બીજા નંબર પર છે. તેમની પાસે 332 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે. સૌથી વધુ સંપત્તિના મામલે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા ત્રીજા નંબર પર છે. તેમની પાસે 51 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે.
