દેશના રાજકારણના ગુનાહિત પૃષ્ઠભૂમિવાળા નેતાઓ વિશે એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. ચૂંટણી સુધારા સાથે સંકળાયેલી સંસ્થા એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) ના તાજેતરના અહેવાલ મુજબ, દેશના વર્તમાન ૩૦ મુખ્યમંત્રીઓમાંથી ૧૨ (૪૦%) મુખ્યમંત્રીઓએ તેમની સામે ફોજદારી કેસોની જાહેરાત કરી છે. આ રિપોર્ટ મુખ્યમંત્રીઓ દ્વારા છેલ્લી વિધાનસભા ચૂંટણી દરમિયાન દાખલ કરાયેલા સોગંદનામાના વિશ્લેષણ પર આધારિત છે.
ગંભીર ગુનાહિત કેસો અને ટોચના મુખ્યમંત્રીઓ
ADRના રિપોર્ટમાં વધુ એક ગંભીર ખુલાસો થયો છે કે, ૩૦માંથી ૧૦ (૩૩%) મુખ્યમંત્રીઓ પર હત્યાનો પ્રયાસ, અપહરણ, લાંચ અને ગુનાહિત ધમકી જેવા ગંભીર આરોપો પણ નોંધાયેલા છે. આ આંકડાઓ રાજકારણના શુદ્ધિકરણ માટે ચાલી રહેલા પ્રયાસો પર પ્રશ્ન ઊભા કરે છે.
સૌથી વધુ ગુનાહિત કેસો ધરાવતા મુખ્યમંત્રીઓમાં તેલંગાણાના રેવંત રેડ્ડી સામે સૌથી વધુ ૮૯ ફોજદારી કેસ નોંધાયેલા છે. જ્યારે તમિલનાડુના એમ.કે. સ્ટાલિન ૪૭ કેસ સાથે બીજા સ્થાને અને ૧૯ કેસ સાથે આંધ્રપ્રદેશના ચંદ્રબાબુ નાયડુ ત્રીજા સ્થાને છે.
અન્ય મુખ્યમંત્રીઓ પરના કેસ
આ સિવાય અન્ય કેટલાક મુખ્યમંત્રીઓ પર પણ ફોજદારી કેસો નોંધાયેલા છે, જેમાં કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પર ૧૩ કેસ, ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન પર ૫ કેસ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર ૪ કેસ, હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ પર ૪ કેસ, કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન પર ૨ કેસ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પર ૧ કેસ છે.
નવા બિલ અને લોકશાહીની ચિંતા
આ રિપોર્ટ એવા સમયે આવ્યો છે જ્યારે કેન્દ્ર સરકારે ૩ નવા બિલ રજૂ કર્યા છે, જેમાં એક જોગવાઈ એવી છે કે જો વડાપ્રધાન, મુખ્યમંત્રી અથવા મંત્રીને કોઈ ગંભીર ગુનાહિત કેસમાં ૩૦ દિવસ માટે ધરપકડ કરવામાં આવે તો તેમને પદ પરથી દૂર કરી શકાય છે. ADRનો આ રિપોર્ટ દર્શાવે છે કે દેશના ટોચના નેતૃત્વમાં પણ ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા લોકોની હાજરી છે, જે લોકશાહીની પારદર્શિતા અને શાસન વ્યવસ્થાની વિશ્વસનીયતા પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.
